Current Status

મારી શાળા પ્રગતિના પંથે....

        તારીખ ૦૧/૦૬/૨૦૦૬ થી શાળા નું નેતૃત્વ યુવાન, કુશળ અને ઉત્સાહી એવા શ્રી જિતેન્દ્રકુમાર એચ. દવે એ સંભાળેલ છે. તેમના યોગ્ય માર્ગદર્શન અને શાળા કર્મચારીઓની મહેનતથી શાળા દિન-પ્રતિ દિન સફ્ળતાનાં શીખરો સર કરી રહી છે. આજે શાળાની પોતાની અધ્યતન કોમ્પ્યુટર લેબ છે. શાળાના કાર્યાલયનો વ્યવહાર મહદઅંશે કોમ્પ્યુટરાઇઝડ થઈ ગયેલ છે. શાળાના ઉચ્ચતર માધ્યમિક ની  સંખ્યા-૨૦૦ જેટલી થવા પામી છે. શાળામાં વર્ષ ૨૦૦૭-૦૮થી એસ.એસ.સી. પરીક્ષા કેન્દ્ર પણ શરૂ થયેલ છે. શાળા નું ૨૦૦૮-૦૯ નું પરિણામ ૯૧.૩૯% આવેલ છે. શાળાના ઉચ્ચતર માઘ્યમિક વિભાગનું પરિણામ છેલ્લે પાંચ વર્ષ થી ૧૦૦% આવેલ છે. શાળામાં ૨૨ જેટલા રૂમનું નિર્માણ કાર્ય પૂર્ણ થયેલ છે. પ્રત્યેક વર્ગ ખંડમાં પૂરતું ફર્નીચર તથા વિદ્યાર્થીઓ માટે પંખા ની પણ પૂરતી સંખ્યામાં વ્યવસ્થા કરેલ છે. વર્ષ દરમ્યાન શાળા શૈક્ષણિક કાર્યની સાથે સહઅભ્યાસિક પ્રવૃતિઓથી ધમધમતી હોય છે. શાળામાં સંસ્કાર સાથે શિક્ષણ આપી બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રયત્ન કરવામાં આવે છે. કન્યા કેળવણી ના પ્રચારથી શાળામાં વિદ્યાર્થીનીઓની સંખ્યા-૨૫૦ થવા પામી છે. શાળામાં ધોરણ-૮ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓ કમ્પ્યુટર શિક્ષણ લઈ રહ્યા છે. હાલમાં અમારી શાળામાં ૮૦% જેટલા વિદ્યાર્થીઓ બક્ષીપંચ કેટેગરીના અભ્યાસ કરી રહ્યા છે.

        વર્તમાન સમયમાં અંગ્રેજી અને કમ્પ્યુટરનું મહત્વ વધી રહ્યું છે ત્યારે અંગ્રેજી શિક્ષણ માટે ગુજરાત સરકાર દ્રારા ચલાવાતા "સ્કોપ" અને કમ્પ્યુટર શિક્ષણ માટે ગુજરાત નોલેજ સોસાયટી દ્રારા કમ્પ્યુટરનાં વિવિધ ટેકનીકલ કોર્ષનું કેન્દ્ર પણ શ્રી સંસ્કાર કમ્પ્યુટર કેન્દ્ર ખાતે તાજેતર માં શરૂ કરવામાં આવેલ છે. આમ અમારી શાળા એક ધાર્મિક સ્થાન રામપુરા મઠ દ્રારા સંચાલિત એક ઉત્તમ શાળા છે.અહિં દર વર્ષે એસ.એસ.સી. ના વિદ્યાર્થીઓ માટે શિક્ષકો દ્રારા શાળા સમય બાદ તથા વેકેશનમાં પણ વધારાના વર્ગો લઈ શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. આ શાળામાંથી શિક્ષણ લીધા બાદ ઘણા વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ ના શિખરો સર કર્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ ડોક્ટર બન્યા છે તથા વિવિધ સરકારી નોકરીઓમાં જોડાયા છે. લગભગ ૨૫ જેટલા વિદ્યાર્થીઓ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિક્ષક બન્યા છે.

        શાળાના શિક્ષણ પ્રેમી પ્રમુખ શ્રી રૂપપુરીજી મહારાજ તથા શાળાનો ઉત્સાહી સ્ટાફ શાળાને જિલ્લાની એક ઉત્કૃષ્ટ શાળા બનાવવા માટે પ્રયત્નશીલ છે.

        તાજેતરમાં શાળાનો એક વિદ્યાર્થી જાટ ગણેશજી મકનાજી એ પાંચ કિ.મી. જલદ ચાલ સ્પર્ધામાં રાજ્યકક્ષા એ પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યુ. ભૂતકાળમાં શાળાના વિદ્યાર્થી ગઢવી પીરદાન એ લોકવાર્તા સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ જીલ્લાનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. વકતૃત્વ સ્પર્ધામાં પણ વિગત વર્ષોમાં જિલ્લા કક્ષાની વિવિધ ૪ સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. ભૂતકાળમાં યુવા પ્રતિભાશોધ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ તથા પ્રદેશકક્ષાએ અગ્રેસર રહી વિદ્યાર્થીઓએ ઇનામ પ્રાપ્ત કર્યા છે.