History

રામપુરા મઠ (જાગીર) અતીત થી આજ.....

        પુણ્ય સલિલા પર્ણાશા-બનાસ નદીથી ૧૦ કિ.મિ. ના અંતરે બનાસકાંઠાની ઔધોગિક નગરી ડીસા પાસે ડીસા- થરાદ હાઇવે પર અત્યંત ફળદ્રુપ જમીન તથા ઉત્તમ ભૂગર્ભજળ ધરાવતું રામપુરા ગામ વસેલું છે. રામપુરા ગામ લગભગ ૩૫૦ વર્ષની ઐતિહાસિક પૃષ્ઠ્ભૂમિ ધરાવે છે. રામપુરાગામની સ્થાપના શિવ સાક્ષાત્કારી સંત શ્રી પૂ.શ્રી રામપુરીજીએ વિક્ર્મ સંવત ૧૭૩૦માં કરી હ્તી. રામપુરા ગામમાં આવેલા ઓગડજીનાથનો મઠ અનેક સંત મહાત્માઓ - મહંતશ્રીઓની તપોભૂમિ છે. પાલનપુરના તત્કાલીન નવાબ શેરખાન દ્રારા પૂ. ગોપાલપુરીજીને આ ગામની જાગીર મળી હતી.પૂ. સરદારપુરીજી તથા પૂ.ડુંગરપુરીજી જેવા મહાનસંતો આ ગામના રાજવી રહી ચુક્યા છે. જ્યારે વંદનીય પૂ.કૈલાશપુરીજી મહારાજની કર્મભૂમિ પણ રામપુરા ગામ છે.



        રામપુરા મઠની અને ગામની સ્થાપના વિક્ર્મસંવત ૧૭૩૦ માં પૂ. રામપુરીજી મહારાજે કરી હતી.

        એક કથા પ્રમાણે શેરખાન નામે એક ઈસ્લામપંથી યુવાન બહારવટું કરતો હતો. તેની મૂલ્યવાન ઘોડી મરતાં તે પૂજ્ય ગોપાળપુરીજી પાસે આવ્યો. પૂ. મહાત્માએ તેને જોતાંજ પાલનપુર નવાબ તરીકે સંબોધન કર્યુ. ચમત્કારી સંતના આશીર્વાદથી શેરખાનને પાલનપુરનું નવાબ પદ મળ્યું.

        પાલનપુરનું રાજય મળ્યા પછી શેરખાન પૂ. મહાત્માનાં આશીર્વાદ લેવા માટે આવ્યા. તે સમયે બારગામની જાગીર પૂ. ગોપાળપુરીજીને અર્પણ કરી. સિધ્ધસંત ગૌભક્ત ગોપાળપુરીજી એ ડીસા પાસે આવેલા રાજપુર મઠની સ્થાપના કરી. સિધ્ધસંત ગોપાળપુરીજીના ગુરૂભાઇ પૂ. સંધ્યાપુરીજી મહારાજ પણ ગાયોની સેવા કરતા હતા. તેઓ ડીસા તાલુકાના મોટા કાપરા ગામ પાસેની વનભૂમિમાં વિહાર કરતા હ્તા. આજે પણ પુ. સંધ્યાપુરીજી તથા તેમની મઢી ગાયની સમાધિ કાપરા ગામે વિધ્યમાન છે.

        પૂ. સંધ્યાપુરીજી ના શિષ્ય રામપુરીજી મહારાજ શિવાવતાર ઓગડ્નાથજીના ઉપાસક હ્તા. પોતાની યોગશક્તિ વડે તેઓ હંમેશાં ઓગડજીની થળી જે વર્તમાન દિયોદર તાલુકામાં આવેલી છે. ત્યાં દર્શન જતા. તેમને ઓગડજીએ સાક્ષાત દર્શન આપ્યા. અને પાદૂકાઓ આપી. ઓગડજીના આદેશાનુસાર વર્તમાન ગોઢા ગામ પાસે રામપુરીજીએ ઓગડજીનાં પગલાંની સ્થાપના કરી.

        આ મહાન સંત પૂ. રામપુરીજીએ વિક્ર્મસંવત ૧૭૩૦માં રામપુરા ગામ અને રામપુરા મઠની સ્થાપના કરી. સ્વયં રામપુરા મઠના પ્રથમ ગાદીપતિ મહંત બન્યા.

        રામપુરા મઠને રામપુરા તથા ગોઢા ગામની જાગીર મળેલી હતી. સમયાંતરે થરાદ રાજવી પરીવારનાં કુંવરીબા તરફથી રામપુરા મઠને આસોદર ગામની જાગીર ભેટમાં મળી હતી. પૂ. ડુંગરપુરીજી મહારાજના સમયમાં કારભારી પૂ. ધનપુરીજી એ મઠના મકાનનું નિર્માણ કર્યુ દશમા મહંત પૂ. કૈલાસપુરીજીએ રામપુરા ગામમાં કૈલાસપુરીજી ડુંગરપુરીજી આદર્શ હાઈસ્કૂલ ની સ્થાપના કરી લોકહિતનાં અનેક કાર્યો કર્યાં.

        રામપુરા મઠમાં તા ૨/૬/૯૭ થી ૪/૬/૯૭ દરમિયાન ભવ્ય ભંડારા મહોત્સવનું આયોજન થયું હતું. જેમાં પૂ. સચ્ચિદાનંદ મહારાજ (દંતાલી) પૂ. શાંતિનાથજીમહારાજ (જાલોર) ભારત સાધુ સમાજના પ્રમુખ ગાઝીયાબાદ (ઉ.પ્ર) ના મહંત શ્રી નારાયણગીરીજી તરભ વાળીનાથ મહંતશ્રી પૂ. બળદેવગીરીજી મહારાજ તથા અનેક મહામંડલેશ્વર સંતો તથા ગુજરાત રાજસ્થાનના અનેક સંત મહાત્માઓ પધાર્યા હતા.

        સાંપ્રત સમયમાં રામપુરા મઠમાં અન્ન ક્ષેત્ર - સદાવ્રત - સંતસેવા - ગૌ સેવા નું શ્રેષ્ઠ કાર્ય થાય છે. સમયાંતરે રોગનિદાન કેમ્પ - રક્તદાન શિબિર જેવા સેવાકીય કાર્યક્રમોનું આયોજન થાય છે.