History‎ > ‎

School History

મારી શાળા - ઉજ્જવળ ઈતિહાસ...

        તાલુક મથક ડીસાથી ૧૨ કિ.મી ના અંતરે ડીસા - થરાદ હાઇવે પર રામપુરા નામનું રૂડું-રૂપાળું ગામ આવેલું છે. આ ગામથી થોડે દૂર હાઇ-વે પર મહંત શ્રી કે.ડી. આદર્શ હાઇસ્કૂલ નું ભવ્ય મકાન, વિશાળ મેદાન અને લીલાછમવૃક્ષો દરેકનું ધ્યાન આકર્ષે છે. આજે આ શાળા આજુબાજુનાં ૨૫ થી ૩૦ ગામોની વિદ્યાપિપાસા ને છીપાવવા માટે રણમાં મીઠી વીરડી સમી બની છે. આવો આપણે આ શાળાની વિકાસયાત્રા તરફ દષ્ટિપાત કરીએ.

        રામપુરા ગામમાં એક ઐતિહાસિક અને સુપ્રસિધ્ધ ધાર્મિક સ્થાન રામપુરા મઠ આવેલો છે. અહીંના તત્કાલીન મઠાધિપતિ પ. પૂ. કૈલાશપુરીજી મહારાજ હતા. જેઓ ધાર્મિકક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રના અગ્રણી હતા. પૂ. કૈલાશપુરીજી ના મનમાં આ વિસ્તાર શિક્ષણક્ષેત્રે આગળ વધે તેવી ખેવના હતી. પૂ .શ્રીનો સંર્પક ડીસા આદર્શ હાઇસ્કૂલના પૂર્વ પ્રધાનાચાર્ય માનનીય નાનકરામ મેધાણી સાથે થયો. શ્રી મેધાણી સાહેબે એમને દિશા સૂચન અને માર્ગદર્શન આપ્યું. ઇ.સ. ૧૯૮૨ માં શ્રી સંસ્કાર મંડળ રામપુરા(દામા) ની સ્થાપના થઇ. પૂ. કૈલાશપુરીજી મહારાજ આ મંડળના આધ્ય પ્રમુખ બન્યા. શિક્ષણપ્રેમી સંત પૂ. ઉદયગીરીજી મહારાજે મેનેજીંગ ટ્ર્સ્ટીની જવાબદારી સ્વીકારી આ ઉપરાંત રામપુરા ગામ તથા આજુબાજુના વિસ્તારમાંથી દરેક સમાજ માંથી સભ્યોની નિમણૂંક કરવામાં આવી ઉપપ્રમુખ તરીકે દામા ગામના અગ્રણી શ્રી નાગજીભાઇ દેસાઇ અને મંત્રી રીકે રામપુરા ગામના યુવાન એડવોકેટ શ્રી શાંતિભાઇ સી. ઠક્કર ની વરણી કરવામાં આવી. ડીસા તાલુકાના સહકારી અગ્રણી શ્રી વીરાભાઇ દેસાઇ (વરનોડા) નો પણ સક્રિય સહયોગ મળ્યો. ૨૨ મી જુલાઇ ઇ.સ. ૧૯૮૩ ના શુભદિને મહંતશ્રી કૈલાશપુરીજી ડુંગરપુરીજી આદર્શ હાઇસ્કૂલનો શુભારંભ ગામના શિવાલયમાં કરવામાં આવ્યો. શાળાની શરુઆત ૧૯ વિદ્યાર્થીઓથી કરવામાં આવી. શાળાના ઇન્ચાર્જ આચાર્ય તરીકે શ્રી બાબુભાઇ મ. સથવારાની નિયુકિત થઇ.


        શાળાના વિકાસ માટે તથા અન્ય ગામોના વિદ્યાથીઓ પણ શિક્ષણ લઇ શકે તે હેતુ થી સિધ્ધસંત શ્રી ગોપાળપુરીજી બક્ષીપંચ કુમાર છાત્રાલય ની સ્થાપના થઇ છાત્રાલયને નિભાવવા માટે પૂ. સંત શ્રી ઉદયગીરીજી મહારાજ તથા શાળાના શિક્ષકોએ ગામે ગામે ફરી - રામાયણની વિડીયો કેસેટસ બતાવીને, વિવિધ મનોરંજન કાર્યક્રમો કરીને લોકોનો સંર્પક કરીને લોક ફાળો એકત્ર કર્યો. તથા શાળા-છાત્રાલયનો વિકાસ કર્યો. ઇ.સ. ૧૯૮૬ માં આચાર્ય તરીકે શ્રી એમ.એન.ઠક્કર ની નિયુક્તિ થઇ. પ્રારંભમાં મંદીરની બાજુમાંજ શાળા તથા છાત્રાલયનું મકાન બનાવવામાં આવ્યું ત્યારબાદ પૂ. કૈલાશપુરીજી મહારાજ દ્વારા શાળાના મકાનનું નિર્માણ કરવા માટે ૪ એકર જમીન દાનમાં આપવામાં આવી મકાન બાંધકામ માટે રામપુરા મઠ રામપુરા ગામ - નજીકના દામા, ઢેઢાલ, વરનોડા, નાણી, લક્ષ્મીપુરા વગેરે ગામોના ગ્રામજનોએ આર્થિક સહયોગ આપ્યો. ડીસા તાલુકાના મુંબઇ નવસારીમાં રહેતા લોકોનો પણ આર્થિક સહયોગ પ્રાપ્ત થયો.

        ઇ.સ. ૧૯૯૦ માં મેનેજીંગ ટ્ર્સ્ટીની જવાબદારી શ્રી વીરાભાઇ દેસાઇએ સંભાળી અને હાઇવેની બાજુમાં અધ્યતન સુવિધાયુક્ત મકાનનું નિર્માણ થયું. ઇ.સ. ૨૦૦૩ થી મેનેજીંગ ટ્ર્સ્ટી પદ રામપુરા મઠના તત્કાલીન કારભારી અને વર્તમાન મંહતશ્રી તથા રાજકીય આગેવાન શ્રી રૂપપુરીજી મહારાજ એ સંભાળ્યું વર્તમાન સમયમાં શાળાની કુલ સંખ્યા ૯૫૩ છે. ૨૦૦૧-૦૨ માં શાળાના ઉચ્ચ્તર માધ્મિક વિભાગનો પ્રારંભ થયો. શાળાના પ્રાંગણમાંજ છાત્રાલયનું સુંદર મકાન બનાવવામાં આવ્યું છે. મહંત શ્રી કે.ડી. આદર્શ હાઇસ્કૂલમાં સંસ્કાર લક્ષી શિક્ષણની સાથે સાથે વિવિધ સહ અભ્યાસીક પ્રવૃતિઓ દ્વારા બાળકોનો સર્વાગી વિકાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. ૧૯૮૬ થી ૩૧/૧૦/૨૦૦૫ સુધી આ શાળામાં આચાર્ય પદે રહેલ શ્રી એમ.એન. ઠક્કર એ પોતાની આગવી સૂઝબૂઝ ખંત તથા પરીશ્રમથી શાળાની પ્રગતિમાં પોતાનું અનેરૂં યોગદાન આપેલ છે.